Kutch news: કચ્છ જિલ્લાના ખેડૂતો માટે ગઢશીશા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
*ધારાસભ્યશ્રી અનિરૂદ્ધભાઈ દવેએ ખેડૂતોને પેદાશોનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરવા કરી હાંકલ*
૦૦૦૦
*૧૦૦૦થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અંગે નિષ્ણાંતો પાસેથી મેળવ્યું માર્ગદર્શન*
૦૦૦૦
ભુજ, ગુરૂવાર:
કચ્છ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય અને ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકારશ્રીની સૂચના અનુસાર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શિત કરવા તાજેતરમાં ગઢશીશા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.
માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી અનિરૂદ્ધભાઈ દવેની ઉપસ્થિતિમાં ગઢશીશા ખેડૂત નવિનભાઇ પોકારની વાડી ખાતે આયોજિત “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ”માં અંદાજે ૧૦૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી અનિરૂદ્ધભાઈ દવેએ કચ્છ જિલ્લો વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ અપનાવી અગ્રેસર બને તેમ જણાવતા ખેડૂતોને પોતાની પ્રાકૃતિક પેદાશોનું મૂલ્યવર્ધન કરી બ્રાન્ડ બનાવી વેચાણ કરવા હાંકલ કરી હતી.
આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી પી.કે. તલાટીએ શાબ્દિક સ્વાગત કરતા વધુમાં વધુ મહિલા ખેડૂતો આત્માના એફ.આઇ.જી. ગ્રૂપમાં જોડાય તે માટે આહવાન કર્યું હતું તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ હેઠળ ચાલતી મોડલ ફાર્મ, જીવામૃત-ઘનજીવામૃત યુનિટ જેવી યોજનાઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. કે.વી.કે. મુન્દ્રાના શ્રી જયદીપ ગોસ્વામી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો બીજામૃત, જીવામૃત-ઘનજીવામૃત, વાફસા, આચ્છાદન અને સહજીવી પાકો વિશે માહિતી આપી હતી. કોઠારા વિભાગીય સંશોધન કેંદ્રના સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડો. ડી. જી. પટેલે પ્રાકૃતિક કૃષિ તેમજ મૂલ્યવર્ધન વિશે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી નિલેશભાઇ પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિમાં વાનસ્પતિક અસ્ત્રો બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, દશપર્ણી અર્ક, અગ્નિઅસ્ત્ર વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે વરઝડીના પ્રગતિશીલ મહિલા ખેડૂત શ્રીમતી જુલીબેન ભાવેશભાઇ માવાણીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પોતાના અનુભવો, પોતાની ત્રિસ્તરીય પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ તેમજ ખેતરની પેદાશોનું મૂલ્યવર્ધન કરી તેનું લોકલ માર્કેટિંગ કેમ કરવું તેના વિશે સમજણ આપી હતી. SPNF એસોસિએશન, ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી શ્રી હિતેષભાઇ વોરા દ્વારા બાગાયતી પાકોમાં પંચસ્તરીય મોડલ કેવી રીતે તૈયાર કરી વધુ આવક મેળવવી તેમજ પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે એફ.પી.ઓ.ની અગત્યતા વિશે જણાવાયું હતું. પ્રાકૃતિક કૃષિ પરીસંવાદનું સંચાલન શ્રી માવજીભાઇ બારિયા, અદાણી ફાઉન્ડેશન, મુન્દ્રા દ્વારા કરવામાં આવ્યું હતું..
આ પ્રાકૃતિક સંવાદના કાર્યક્રમાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી વિક્રમસિંહ કલુભા જાડેજા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી કેશવજીભાઇ રોશિયા, શ્રીમતી ગંગાબેન સેંઘાણી, તાલુકા પંચાયત સદસ્યશ્રી હરેશભાઇ રંગાણી, શ્રીમતી ઝવેરબેન ગોવિંદભાઇ ચાવડા, શ્રીમતી કલ્પનાબેન વાસાણી, એ.પી.એમ.સી. ચેરમેન શ્રી કેશુભાઇ પારસીયા, અગ્રણીશ્રી બટુકસિંહ જાડેજા, શ્રીમતી લક્ષ્મીબેન શાંતીલાલ પટેલ તથા મદદનીશ ખેતી નિયામકશ્રીઓ સર્વશ્રી દિનેશ ચૌધરી, શ્રી ઉપેન્દ્ર જોષી, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માશ્રી કલ્પેશ મહેશ્વરી તેમજ આત્મા યોજના માંડવીના આસીસ્ટન્ટ ટેક્નોલોજી મેનેજરશ્રી રસીક બારૂવા, શ્રી બિજેશ કણસાગરા તેમજ ડૉ. યુ.એન. ટાંક, હેડ અને સિનિયર વૈજ્ઞાનિકશ્રી, કે.વી.કે, સાડાઉ તેમજ વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) અને ગ્રામ સેવકો અને કેવીકેના ટ્રસ્ટીશ્રી રજનીભાઇ પટવા અને વી.આર.ટી.આઇના શ્રી સેંધાભાઇ પારેઘી તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
૦૦૦૦
Comments
Post a Comment