Kutch news: કચ્છમાં માનકુવા ખાતેથી સેવા સેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ

 

Kutch news: કચ્છમાં માનકુવા ખાતેથી સેવા સેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ 

૦૦૦૦

નાગરિકોને સેવાસેતુના માધ્યમથી ઘર આંગણે મળતી સેવાનો લાભ લેવા તથા 

સ્વચ્છતાના આગ્રહી બનવા ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલનો અનુરોધ

૦૦૦૦

લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા : વિવિધ યોજનાઓનો માનકુવા સહિત આસપાસ ગ્રામજનોએ લાભ લીધો

૦૦૦૦

તબક્કાવાર સમગ્ર જિલ્લામાં આયોજિત થનારા સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન સરકારની ૫૫ જેટલી વિવિધ સેવાઓનો લાભ નાગરિકોને મળી રહેશે

૦૦૦૦૦

ભુજ, મંગળવાર 


ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ કચ્છ જિલ્લામાં દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ તથા સ્વચ્છતા હી સેવા અભિયાનનો માનકુવા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. 

દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં યોજાનાર છે. જેમાં ૧૩ વિભાગની ૫૫ જેટલી સુવિધાનો લાભ લોકોને મળશે તથા સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ હેઠળ જાહેર સ્થળો, કચરાના સ્થળો વગેરેની સફાઇ હાથ ધરાશે. જેમાં જનભાગીદારીથી કામગીરી કરવા સાથે સફાઇ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન પણ કરાશે તેવું સ્વાગત પ્રવચન સાથે કાર્યક્રમનો હેતુ તથા રૂપરેખા વર્ણવતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટરશ્રી નિકુંજ પરીખે જણાવ્યું હતું. 

આ પ્રસંગે ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી કરાઇ છે, આ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સરકાર કટિબદ્ધ છે. આ વિચારના અમલીકરણ હેતુ જ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે આનો લાભ લેવા દરેક નાગરિક જાગૃત બને અને આસપાસના લોકો સુધી પણ વિવિધ યોજનાઓની માહિતી પહોંચાડે તે જરૂરી છે. ધારાસભ્યશ્રીએ આ પ્રસંગે લોકોને સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સક્રીયતાથી જોડાઇને ઘર, ફળીયું, ગામ, શહેરને સ્વચ્છ બનાવવા તથા વૃક્ષારોપણ કરીને તેનો ૧૦૦ ટકા ઉછેર કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સ્વચ્છતા અભિયાનને સાથર્ક કરવા નવરાત્રી દરમિયાન માતાનામઢ જતાં રસ્તાઓ પર કેમ્પ બાદ સર્જાતી ગંદકીની સમસ્યાને હલ કરવા સમગ્ર ગ્રામ પંચાયતો, સમાજસેવી સંસ્થાઓ તથા જાગૃત નાગરિકો મળીને સફાઇ અભિયાન આદરે તેવી અપીલ કરી હતી.

આ પ્રસંગે સૌ પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓએ લોકો સાથે સફાઇ અભિયાનમાં જોડાઇને માર્ગ પર સફાઇ કરી હતી. 

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ સ્વચ્છતાના શપથ લીધા હતા. કાર્યક્રમની આભારવિધી ગ્રામ્ય મામલતદારશ્રી બી.એન.શાહે કરી હતી. જયારે કાર્યક્રમનું સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું. 

આજના કાર્યક્રમમાં કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી મનીષાબેન વેલાણી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઇ વરસાણી, તાલુકા પંચાયત સદસ્યશ્રી રમેશભાઇ ગઢવી, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ શ્રી મંજુલાબેન ભંડેરી, આગેવાનશ્રી ભીમજીભાઇ જોધાણી, શીવજીભાઇ પુંજાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સંજયભાઇ ઉપલાણા તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા કર્મયોગીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 









Comments