Kutch news : ગુજરાત તેમજ દેશમાંથી સાત લાખથી વધુ પ્રવાસીઓએ ભુજના રક્ષકવનની મુલાકાત લીધી

 

Kutch news : ગુજરાત તેમજ દેશમાંથી સાત લાખથી વધુ પ્રવાસીઓએ ભુજના રક્ષકવનની મુલાકાત લીધી

*ગુજરાત સરકારના વન વિભાગે માધાપર ગામની વીરાંગનાઓના અદમ્ય સાહસને બિરદાવતી થીમ ઉપર કચ્છમાં રક્ષકવનનું કર્યું છે નિર્માણ* 

૦૦૦૦

*કચ્છનું ‘રક્ષકવન’ જિલ્લાની ગૌરવશાળી વીરાંગનાઓની અમર શૌર્યગાથા અને ભારતીય જવાનોની બહાદૂરીને છે સમર્પિત*

૦૦૦૦

*વન વિભાગ દ્વારા નિર્મિત કચ્છનું ‘રક્ષકવન’ યુવાનોને સેનાની વિવિધ પાંખોમાં જોડાવા પ્રેરણા પુરી પાડે છે*

૦૦૦૦

*રક્ષકવન બનાવીને કચ્છની સ્થાનિક વનસ્પતિઓના સંર્વધન અને પર્યાવરણના જતનનું કામ ગુજરાત સરકારે કર્યું છે – સુરેશભાઈ છાંગા, કુનરિયા ઉપ સરપંચ, કચ્છ*

૦૦૦૦

ભુજ, શુક્રવાર:  

 ભારતીય સંસ્કૃતિના વેદો, પુરાણો, ઉપનિષદો જેવા પૌરાણિક ગ્રંથોમાં માનવ સમાજ અને વૃક્ષો વચ્ચેના સંબંધોનો નિર્દેશ જોવા મળે છે. ગુજરાત સરકારના વન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ થીમ આધારિત વનોનું નિર્માણ કર્યું છે. સામાજિક વનીકરણ ક્ષેત્રે લોકોમાં જાગૃતતા આવે તે ઉમદા હેતુસર કચ્છ જિલ્લાના ભુજથી ખાવડા રોડ ઉપર વિશાળ વિસ્તારમાં રક્ષકવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં ગુજરાત રાજ્યનું ૧૮મું સાંસ્કૃતિક વન ભુજ તાલુકાના સરસપર નજીક વર્ષ ૨૦૧૮માં બનાવવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં વિસ્તાર દ્રષ્ટિએ તમામ વનોમાં અગ્રેસર વિસ્તાર ધરાવતું રક્ષકવન ૯.૧૫ હેક્ટરમાં ફેલાયેલું છે. રૂદ્રાણી માતા ડેમનો વિસ્તાર આ વનને એક અનન્ય પ્રાકૃતિક વાતાવરણ પુરું પાડે છે.  

 કચ્છ જિલ્લો રાજ્ય સરકારના વિઝનના લીધે આજે પ્રવાસન અને ઔદ્યોગિક હબ બનીને ઊભરી આવ્યો છે ત્યારે જિલ્લામાં આવતા પ્રવાસીઓ રક્ષકવનની જરૂરથી મુલાકાત લે છે. જીવનના જોખમે પણ દેશ સેવા કાજે પીછેહટ નહીં કરવાના વીરાંગનાઓના અદમ્ય સાહસની કથા સાંભળીને મુલાકાતીઓ દેશદાઝની પ્રેરણા લઈને જાય છે. રક્ષકવનની અત્યારસુધીમાં સાત લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ગુજરાત સરકારના સામાજિક વનીકરણના પ્રયાસો અને દેશદાઝની ભાવનાને બિરદાવતું રક્ષકવન કચ્છ જિલ્લામાં આવતા મુલાકાતીઓ માટે એક પ્રવાસનનું સ્થળ બનીને ઊભરી આવ્યું છે.

 કચ્છનું  રક્ષકવન સ્વતંત્ર ભારતની ગૌરવશાળી વીરાંગનાઓની અમર શૌર્યગાથાને સમર્પિત છે. ભુજ એરફોર્સ સ્ટેશન ઉપર ડિસેમ્બર-૧૯૭૧માં દુશ્મન દેશના વિમાનોએ હુમલો કરીને રનવેને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. દુશ્મનને વળતો પ્રહાર કરવા રનવેને તાત્કાલિક રિપેર કરવો ખૂબ જ જરૂરી હતો. રાષ્ટ્ર પર આવી પડેલી આ આફત સમયે કચ્છના માધાપર ગામે મદદ માગતા ૩૦૦થી વધુ વીરાંગનાઓ અને વીરપુરૂષોએ પોતાના જીવની પરવા કર્યા વિના શ્રમદાન કરીને એરફોર્સના રનવેને રાતોરાત રિપેર કર્યો હતો. રનવે રિપેર થઈ જતા ભારતીય વિમાનો પોતાની પૂર્ણ ક્ષમતાથી લડાઈના મોરચે ઉતરી શક્યા હતા અને દુશ્મનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. દુશ્મન દેશના વિમાનોના અવાજો અને મોતની પરવા કર્યા વિના દેશ માટે ઉત્તમ સાહસનો પરિચય કચ્છના માધાપર ગામની વીરાંગનાઓ સહિત ગ્રામજનોએ આપ્યો હતો. માધાપરની વીરાંગનાઓના અદમ્ય સાહસની થીમ સાથે આ વનને ‘રક્ષકવન’ નામ આપવામાં આવ્યું હતું. અહીં ભારતીય સેનાની વિવિધ પાંખોમાં જોડાવવા માટે યુવાનોને પ્રેરણા મળી એવું નિર્દશન કરવામાં આવ્યું છે.


 કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુનરિયા ગામના ઉપસરપંચશ્રી સુરેશભાઈ છાંગા જણાવે છે કે, રક્ષકવન બનાવીને કચ્છની સ્થાનિક વનસ્પતિઓના સંર્વધન અને પર્યાવરણના જતનનું કામ ગુજરાત સરકારે કર્યું છે. આ વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને તેના લીધે આજુબાજુના લોકોને રોજગારી પણ ઉપલબ્ધ થઈ છે.


*રક્ષકવનની વિવિધ ખાસિયતો :* 


o વોલ મ્યૂરલમાં કચ્છની માધાપરની વીરાંગનાઓ સાહસ અને ભારતીય સંરક્ષણ દળોની માહિતી 

o કચ્છની સંસ્કૃતિની ગાથા દર્શાવતા બેનર્સ, શિલ્પો, મ્યૂરલ સહિત ભૂંગાઓના માધ્યમથી સ્થાનિક રીતિરિવાજોનો પરિચય

o કચ્છના સ્થાનિક વન્યજીવોની રોચક માહિતી મળી રહે તે માટે બેનર્સ અને મ્યૂરલ્સ

o ગુજરાત સરકાર અને વન વિભાગના જનકલ્યાણકાર્યોની માહિતી 

o રક્ષકવનની અંદર નક્ષત્ર વન, દેવ વન, રાશિ વન, આરોગ્ય વન, ખજુરી વન, નાળિયેરી વન દ્વારા વૃક્ષોની વિવિધ પ્રજાતિઓ અને તેના દૈનિક જીવનમાં મહત્વ અંગે વિશેની રોચક જાણકારી

o સીનિયર સિટિઝન માટે રેમ્પ અને બાળકો માટે પ્લે એરિયા સહિતની સુવિધા ઉપલબ્ધ છે. 

o કૃત્રિમ તળાવોના નિર્માણ થકી ટપક તેમજ ફૂવારા પદ્ધતિથી વૃક્ષોને પાણી આપવાની વ્યવસ્થા










Comments